સરદાર: એક સ્વપ્ન

આજે એ મહામાનવ ની વાત કરવી છે જેને દુનિયા બિસ્માર્ક તરીકે ઓળખે છે પણ મારા મતે તો બિસ્માર્ક સરદાર ના નામે ઓળખાવા જોઈ. આપણે સૌએ દેશ ને એક કરવાના સરદાર ના મહાયજ્ઞ વિશે તો સાંભળ્યું જ છે અને એમાં ખાસ કરીને જૂનાગઢ, હૈદરાબાદ, ત્રાવણકોર વિશે તો વિશેષ સાંભળ્યું છે. પણ મારે આ સમયે ખૂબ જ ઓછા ચર્ચાયેલા પ્રસંગ વિશે વાત કરવી છે.
વાત તો છે કાઠિયાવાડના છેક ઉત્તરે આવેલા મોરબી નામના સ્ટેટ ની, સમય હતો દેશી રાજ્યો ના એકીકરણ નો અને રાજ્ય ના મહારાજા લખધીર સિંહજી. ઉંમર મા લગભગ ૮૦ વર્ષ ની આસપાસ. એમના ગાદીવારસ પુત્ર મહેન્દ્રસિંહજી હજુ યુવરાજ હતા. આ વૃદ્ધ રાજવી પોતાના પુત્ર ને મોરબી ના રાજા તરીકે અભિષિક્ત કરવા ખૂબ આતુર હતા. પોતે જિંદગી ની અંતિમ અવસ્થા માં હોવાથી, કાઠિયાવાડ ના રાજાઓની બેઠક માં મહારાજા એ વી.પી.મેનન ને એકાંત માં મળી ને વિનમ્રતા થી કહ્યું:

" મિસ્ટર મેનન! મારે સરદાર જોડે થોડીક વાત કરવી છે, તમે મુલાકાત ગોઠવી આપો અથવા ટેલીફોન સંપર્ક કરાવી આપો."
" મહારાજા!" મેનને કહ્યું: " મારાથી બનતી મદદ કરીશ. પરંતુ સરદાર ને કષ્ટ આપ્યા વિના જો તમે મને કહી શકશો તો વધારે સારું થશે."
લખધીરસિંહજી શરૂઆત માં થોડા સંકોચાયા તો ખરા, પણ પછી તેઓય સમજી ગયા કે છાશ લેવા જવું ને દોણી સંતાડવી એ બંને કામ સાથે તો નહિ થાય, એટલે એમણે પોતાની મન:કામના મેનન ને ટુંક માં સમજાવી:

"મિસ્ટર મેનન! મોરબી ના રાજસિંહાસન ઉપર જાડેજા વંશ નો હું દશમો રાજા છું.હું હવે વૃદ્ધ થયો છું. મારી એકમાત્ર ઈચ્છા એવી છે કે મારા પુત્ર યુવરાજ મહેન્દ્રસિંહજી નું મારી હાજરી માં રાજતિલક થાય અને મોરબી રાજા તરીકે ભારત સંઘ ના જોડાણખત માં એ સહી કરે."
વૃદ્ધ રાજવી ના આંખ માં જે સપનું હતું એ મેનન સમજી ગયા. જાડેજા વંશ ની દશ દશ પેઢીઓનું જે ગૌરવ હતું એનેય મેનન સમજી ગયા, પણ રાજવી પરંપરા ની બ્રિટીશરો એ સ્થાપિત કરેલી કાનૂની પ્રકિયા મા લખધીર સિંહજી આ આશા પૂરી કરવા માટે સરદાર ની સંમતિ જરૂરી હતી. કોઈ પણ રાજા સ્વેચ્છાએ ગાદીત્યાગ કરે અથવા સિંહાસન રૂઢ હોય ત્યારે જ મૃત્યુ પામે એટલે  ગાદીવારસ તરીકે પાટવી કુંવર નો રાજતિલક થાય એ પરંપરા, પણ આ ને બ્રિટિશ સરકાર નું પોલિટિકલ ડિપાર્ટમે્ન્ટ સ્વીકૃતિ આપે તો જ અમલ મા લાવી શકાય. લખધીર સિંહજી નો ગાદીત્યાગ અને મહેન્દ્રસિંહજી નો રાજ્યાભિષેક આ બંને માટે રિયાસતી ખાતા ની સતાવાર સ્વીકૃતિ જોઈએ. અને આ ખાતું ગૃહ મંત્રાલય હેઠળ આવતું હોવાથી સરદાર ની સ્વીકૃતિ જોઈએ. મેનને મહારાજ ને સાંત્વન આપ્યું અને એમનો સંપર્ક ટેલીફોન મારફત સરદાર સાથે કરાવી આપ્યો.
સરદારે આ બધી વાતો શાંતિ થી સાંભળી.થોડાં વરસો પહેલાં આ રાજાના રાજ્યકાળમાં જ મોરબીમાં કોંગ્રેસી સત્યાગ્રહી સ્વયંસેવકો પર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો એ એમને સાંભર્યો .મોરબી મા મહારાજ કોઈ પણ પ્રકાર ની રાષ્ટ્રીય ચળવળ ને માન્ય નહોતા કરતા. વીસેક વર્ષ પહેલાં એક રાજકીય પરિષદ ની સભા મોરબી મા યોજાય ત્યારે સરદાર પટેલ પોતે આ સભા ના અધ્યક્ષ સ્થાને હતા, પણ આ સભા ઉપર રાજા એ ઠીક ઠીક પ્રતિબંધો લાધ્યા હતા.
એ જ અરસામાં ગાંધીજીએ વિદેશી વસ્ત્રોના બહિષ્કારનું આંદોલન ઉપાડ્યું અને દેશમાં ઠેરઠેર કોંગ્રેસી કાર્યકર્તાઓએ વિદેશી વસ્ત્રોની હોળી પ્રગટાવી ત્યારે રાજકોટ તથા અમદાવાદથી મોરબીમાં આ આંદોલન પ્રસારવા માટે કાર્યકરો આવ્યા હતા. લખધીરજી આ વિદેશી વસ્ત્રોના બહિષ્કારની વિરુદ્ધ હતા . બ્રિટિશ સરકારે એમને તાજેતરમાં જ એમની વફાદારીના બદલામાં કે . સી . એસ . આઈ . નો ઈલ્કાબ આપીને બહુમાન કર્યું હતું .એમણે બહારગામથી આવેલા આ કોંગ્રેસી કાર્યકર્તાઓને પકડી લીધા અને એમના ઉપર ભારે ત્રાસ પણ ગુજાર્યો. પરિસ્થિતિ એવી હતી કે મોરબીની સ્થાનિક રૈયત એમના આ રાજાના શાસનથી સંતુષ્ટ હતી, એટલે આ સ્થાનિક પ્રજાએ વિદેશી વસ્ત્રોના બહિષ્કાર જેવી ચળવળમાં મુદ્દલ ભાગ લીધો નહીં. બહાર થી આવેલા કાર્યકરો ઉપર રાજ્યે ક્રૂર દમન કર્યું છે એ જાણીને ગાંધીજીએ મહાદેવભાઈને રાજા સાથે સંવાદ કરવા મોકલ્યા . રાજાએ મહાદેવભાઈ સાથે સમાધાન કર્યું . તમામ રાજકેદીઓને રાજાએ મુક્ત કર્યા અને સમાધાનની વળતી શરત અનુસાર આ બધા ચળવળકારો મોરબી રાજ્યની હદ છોડીને જતા રહ્યા. આમ, એકંદરે રાજાનો હાથ ઉપર રહ્યો હતો , સ્થાનિક પ્રજા રાજા સાથે રહી હતી અને મોરબી સત્યાગ્રહ નિષ્ફળ ગયો હતો .
હવે આ જ રાજા લખધીરજી પોતાના જીવનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે સરદારને કાકલૂદી કરી રહ્યા હતા . જો રિયાસતી ખાતું એમના પ્રસ્તાવનો સ્વીકાર ન કરે તો પરિસ્થિતિ એવી હતી કે લખધીરજીએ પોતે જ જોડાણખતે ઉપર સહી કર્યા વિના ચાલે એમ નહોતું . કાઠિયાવાડના, એક જૂનાગઢનો અપવાદ બાદ કરતાં , તમામ રાજાઓ જોડાણના સ્વીકારની પ્રક્રિયામાં એકમત હોય ત્યારે મોરબી એકલું શી રીતે ટકી શકે ? લખધીરજીએ બદલાયેલા સમયનો સ્વીકાર કરીને સરદારને કહ્યું :
" સરદાર ! મારા જીવનનાં આ આખરી વર્ષો છે . હું સ્વેચ્છાએ ગાદીત્યાગ કરું અને મારો યુવરાજ પુત્ર મોરબી રાજયના જાડેજાવંશનો અગિયારમો રાજા બને.આ નવા રાજા જોડાણખતના દસ્તાવેજ ઉપર સહી કરે એ માટે આપ મને સંમતિ આપો એવી વિનંતી છે ."
એક ક્ષણનાય વિલંબ વિના સરદારે એ જ વખતે ઉત્તર વાળ્યો : "હિઝ હાઈનેસ મહારાજ લખધીરજી ! આપ નચિત રહો , ભારત સરકાર આપની આ વાતનો સ્વીકાર કરે છે. હું મેનનને સૂચના આપી દઉં છું. આપ આપના ગાદીત્યાગ અને યુવરાજના રાજતિલક માટે જે કંઈ જરૂરી હોય એ પ્રક્રિયા આગળ વધારો."
લખધીરજીની આંખે ઝળઝળિયાં આવ્યાં, એમના કંઠે ડુમો ભરાયો. તેઓ કશું બોલી શક્યા નહીં . તેઓ ટેલીફોનના બીજા છેડે સરદારને જોઈ શકતા નહોતા , પણ જો તેઓ જોઈ શક્યા હોત તો એમણે જોયું હોત કે સામાન્યતઃ ભાવશૂન્ય લાગતી સરદારની આંખોમાં સંતોષની ભીનાશ તગતગતી હતી .

Comments

Post a Comment

Popular posts from this blog

THE SADHUS

જૈવિક શસ્ત્ર/યુદ્ધ: COVID-19